Main Menu

સલમાનના વકીલને મળી ધમકી

કાળા હરણ શિકાર મામલે સલમાનનો કેસ લડી રહેલ વકીલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વકીલનું કહેવુ છે કે, આ ધમકી કાળા હરણ શિકાર કેસમાં સલમાન ખાનને નિર્દોષ જાહેર કરાવવાના કારણે એક આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર તરફથી આપવામાં આવી છે. વકીલ એચએમ સારસ્વતે દાવો કર્યો હતો કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ મને ફોન કર્યો હતો જે પોતાને એક આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર ગણાવતો હતો. તેણે કહ્યુ છે કે તે આર્મ્ડ એક્ટમાં સલમાન ખાન નિર્દોષ જાહેર થવાથી ખુશ નથી.

સારસ્વતે જણાવ્યુ હતું કે, ફોન કરનાર વ્યક્તિએ મને ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવા ચેતવણી આપી હતી અને સાથે જ જણાવ્યુ હતું કે, હવે તને કોઈ બચાવી શકશે નહીં. સારસ્વતે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. જેના પગલે તેની સુરક્ષામાં એક હથિયારધારી પોલીસકર્મીને તૈનાત કરી દેવાયો છે. પોલીસ કમિશનર અશોક રાઠોડનું કહેવુ છે કે અમે વકીલની સુરક્ષામાં એક સશસ્ત્ર જવાન તૈનાત કર્યો છે અને ફોન કોલ્સની તપાસ કરવામાં આવી રહી છે.

સારસ્વતના દાવા મુજબ આ વ્યક્તિએ સલમાનને ફોન કર્યો હતો અને ખંડણીની માંગ કરી હતી. જો કે સલમાને ખંડણી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જેથી તે સલમાનથી નારાજ છે.