Main Menu

અમરેલીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની પથારી ફરી ગઈ

ઈન્‍દિરા આવાસ, સરદાર આવાસ સહિતની યોજનાનાં વિકલ્‍પે શરૂ થયેલ
અમરેલી, તા. 16
પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ એક વર્ષ પહેલા ઈન્‍દિરા આવાસ, સરદાર આવાસ યોજના એક ઝાટકે બંધ કરીને મોટા ઉપાડે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત કર્યા બાદ એક વર્ષમાં અમરેલી જિલ્‍લામાં આ યોજના નિર્ધારિત મુકામ સુધી પહોંચી નથી તે હકીકત છે.
વર્ષ ર010માં જે પરિવારોનું સર્વે કરવામાં આવેલ તે સર્વે મુજબ વર્ષ ર016માં લાભાર્થી પસંદ કરવામાં આવ્‍યા. જેમાં અમુક લાભાર્થી સ્‍વર્ગવાસી બની ગયા છે. સર્વે પાછળ રૂપિયા 1.60 કરોડ ખર્ચ કરવામાં આવ્‍યા બાદ પણ યોગ્‍ય રીતે સર્વે કરવામાં આવ્‍યું નથી. જેને પ્રજાના પરસેવાનાં પૈસાનો વેડફાટ કરવામાં આવેલ છે.
થયેલ સર્વેમાં ઓબીસીને દલિત અને દલિતને ઓબીસી દર્શાવવામાં આવ્‍યા છે. અને વ્‍યકિતનું માત્ર નામ જ નોંધવામાં આવેલ છે. દબાણમાં મકાન ધરાવનારને ઘર વિહોણા દર્શાવવામાં આવ્‍યા છે. પાકુ મકાન ધરાવનારને આવાસ વિહોણા દર્શાવવામાં આવ્‍યા છે. નામ અને અટકમાં પણ દે ધનાધન કરવામાં આવી છે. અને જિલ્‍લામાં જે પરિવારો ખરેખર ગરીબ પરિવારો છે તેમની જ બાદબાકી કરવામાં આવ્‍યાની ફરિયાદ ઉભી થઈ છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે બાઈક,ટ્રેકટર, રીક્ષા, જમીન ધરાવનારનો ગરીબ પરિવારમાં સમાવેશ કરવામાં આવેલ છે. એક વર્ષ પહેલા યોજના શરૂ થઈ છતાં એક પણ લાભાર્થીને મકાન બનાવવાની મંજુરી કે એડવાન્‍સ હપ્‍તો આપવામાં આવેલ નથી.
ચોંકાવનારી વિગતો એ પણ છે કે જે લાભાર્થીની આવાસ યોજના પસંદગી કરવામાં આવે તેને તાલીમ આપવામાં આવી છે તેને વળતર પણ ચૂકવવામાં આવેલ નથી. આ પ્રકારની અનેક પ્રકારની ગેરરીતિ જોવા મળતી હોય નાના રાજકોટ ગામના મગનભાઈ મકવાણાએ કમિશનરને પત્ર પાઠવીને યોગ્‍ય મદદ કરવા માંગ કરી છે.


Source: Amreliexpress.com