Main Menu

અમરેલીનાં જિલ્‍લા પુરવઠા અધિકારીની બદલી કરો

અમરેલી, તા. 16
અમરેલી જિલ્‍લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતાં ડી.વી. વાળાની ભ્રષ્‍ટાચારી રીતરસમ સામે સતાધારી પક્ષનાં કદાવર નેતાઓએ નારાજગી વ્‍યકત કરતાં જિલ્‍લાના વહીવટી તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.
લાઠીનાં ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડે પણ થોડા દિવસો પહેલા જિલ્‍લા પુરવઠા અધિકારી વિરૂઘ્‍ધ આકરા પ્રત્‍યાઘાતો આપ્‍યા બાદ અમરેલીના સાંસદ તેમજ ભાજપનાં આગેવાન પી.પી. સોજીત્રાએ પણ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને બદલી કરવા માંગ કરી છે.
પત્રમાં જણાવેલ છે કે, હાલમાં અમરેલી મુકામે જિલ્‍લા પુરવઠા અધિકારી, અમરેલી તરીકે ડી.વી. વાળાની નિમણૂંક કરેલ છે. આ જિલ્‍લા પુરવઠા અધિકારી દ્વારા મોટા પાયે ભ્રષ્‍ટાચાર કરવામાં આવે છે. અગાઉ આ અધિકારીએ ધારી મામલતદાર તરીકે તેમજ રાજુલા મામલતદાર તરીકે ફરજ બજાવેલ છે. આ સમયે પણ ભાજપના આગેવાનો તેમજ ધારાસભ્‍ય દ્વારા ફરિયાદ થયેલ હતી. તો તુરંત બદલી કરવામાં આવેલ હતી.
આ જિલ્‍લાપુરવઠા અધિકારી દ્વારા પોતાના કર્મચારીઓ તેમજ અરજદારો સામે ગેરવર્તન કરે છે. તેમજ અભદ્ર શબ્‍દ બોલે છે. ગેસ એજન્‍સીના સંચાલકો ગ્રાહકો પાસેથી ગેસ બોટલ દીઠ રૂા. 10 તથા રૂા. ર0 મજુરી ચાર્જ પેટે ગેરકાયદેસર વસુલ કરતા હોય જે અંગેની ફરિયાદ કરેલ જેના અનુસંધાને તપાસ કરવાના બદલે આવા દસ-વીસ રૂપિયામાં શું કરવા પડો છો તેવું મને જણાવેલ અને તેનું વર્તન જોતા તે માનસિક બિમાર (સાયકો) પેશન્‍ટ હોય તેવું લાગે છે.
આ જિલ્‍લા પુરવઠા અધિકારી દ્વારા લાઠીમાંથી ઘઉંનો રેશનશોપનો બે નંબરનો જથ્‍થો પકડાયેલો છે. તે જથ્‍થાના માલિકની પી.બી.એમ. કરવા માટે કલેકટર દ્વારા સુચના આપવા છતાં પી.બી.એમ.ના કાગળો કરેલ નથી અને ભ્રષ્‍ટાચાર આદરી આ કેસને રફેદફે કરવાની કાર્યવાહી કરેલ છે.
જિલ્‍લા પુરવઠા અધિકારી દ્વારા રેશનશોપના દુકાનદારો, ગેસ એજન્‍સી, ડીઝલપંપો કે જે આવશ્‍યક ચીજ વસ્‍તુના વેપારીઓ પાસેથી લાંચ લઈ ભ્રષ્‍ટાચાર કરે છે. તો તાકીદે બદલી કરવા અંતમાં માંગ કરેલ છે.


Source: Amreliexpress.com