Main Menu

બગસરામાં વેલેન્‍ટાઈન-ડે નિમિત્તે માતૃપિતૃ વંદના કરાઈ

બગસરાના અતિ પછાત વિસ્‍તારમાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળા દ્વારા વેલેન્‍ટાઈન ડે ના રોજ શાળામાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરી નવો ચીલો પાડયો હતો. પ્રાચીન સંસ્‍કૃતિને ઉજાગર કરતા આ કાર્યક્રમને સરાહના સાંપડી હતી. વિગત અનુસાર બગસરાના અતિ ગરીબ એવા મફતપરા, આવાસ અને હુડકો વિસ્‍તારની જેતપુર રોડ પર આવેલી શાળા નં.4 દ્વારા અમદાવાદ સ્‍થિત શેઠશ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરીયલ, રીલીજીયસ એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના સહયોગથી શાળામાં વેલેન્‍ટાઈન ડે ના રોજ માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાળકોમાં સંસ્‍કારનું સિંચન કરવા તેમજ વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને એક સાથે ભેગા કરી વિદ્યાર્થીના ભવિષ્‍યની ચિંતા કરવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય દર્શનભાઈ ઠાકરે સૌ વાલીઓને આવકાર્યા હતા. પછીથી શાસ્‍ત્રી પિનાકીનભાઈ પંડયા દ્વારા મંત્રોચ્‍ચાર દ્વારા વિદ્યાર્થીઓના હસ્‍તે વાલીઓનું પૂજન કરાવવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓની આરતી સમયે લાગણી સભર દ્રશ્‍યો સર્જાતા અનેક આંખો સજળ બની હતી. આ તકે સ્‍થાનિક પોલીસ અધિકારી મોરી તથા ચીફ ઓફિસર ગૌસ્‍વામી તથાઘનશ્‍યામભાઈ સિંધવે પણ વિદ્યાર્થીઓને માતા-પિતા પ્રત્‍યે પૂજયભાવ રાખવાની અપીલ કરી હતી. પશ્ચિમી સંસ્‍કૃતિ સામે પ્રાચીન સંસ્‍કૃતિને ટકાવવાના શાળાના શિક્ષકો દ્વારા કરાયેલા આ નવતર પ્રયોગ બદલ વાલીઓએ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમ માટે દાતા તથા શાળા વચ્‍ચે કડીરૂપ બનનારા નટુભાઈ ભુપતાણી તથા ઈન્‍દુબેન શ્રીમાંકરનો શાળા પરિવારે આભાર માન્‍યો હતો. દાતાના સહયોગથી સરકારી શાળામાં આ પ્રકારના માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનો જિલ્‍લામાં પ્રથમ બનાવ બન્‍યો હતો. તેમજ અનેક શાળાને પ્રેરણા પૂરી પાડી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે તથા નટુભાઈ ભુપતાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.


Source: Amreliexpress.com