મોબાઈલ થી સાઇટ જોનાર પ્લીઝ હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
બા ની પહેલી સ્મૃતિ એટલે એની પ્રભુ પ્રત્યેની સમર્પિતતા . મળસ્કે વહેલી ઉઠી ,સ્નાનાદિ પતાવી વડ ,પીપળો અને ઉંબરો આ ત્રણેય વૃક્ષોની પૂજા , સુંદર મજાના તુલસી ક્યારે તેમજ સૂર્ય નારાયણને જળ અર્પણ કરવું , નજીકના રામજી મંદિરમાં દેવપૂજા અને શિવલીંગ પર જળાભિષેક કરવો ,ઉંબરો પૂજવો , ઉદ્ધવ ગીતા તેમજ શ્લોક અને સ્તોત્ર મોઢે બોલતી , સંધ્યાકાળે પણ ધૂપદીપ કરવા . બા માનતી કે દરેક સ્ત્રીએ સુખ , સમૃદ્ધિ , ઐશ્વર્ય તેમજ પ્રભુકૃપા મેળવવા આટલું તો કરવું જ જોઈએ .
અમે દાદીને બા અને દાદાને ભાઈ કહેતા . બા માટે સમજ્યા પણ દાદા માટે ભાઈ શબ્દ મને નવાઈ લાગતી. બા પ્રભુભક્ત જેટલીજ કુટુંબ ભક્ત . બાને સાત સંતાનો ત્રણ દિકરા અને ચાર દિકરી , સાસુ સસરા અને નણંદ . ભાઈ તે સમયના શાળાના હેડમાસ્ટર એટલે શિસ્તપ્રિય . બાળકોને નવડાવી ધોવડાવી શાળામાં સમયસર મોકલવા , સાસુ સસરાનું ધ્યાન રાખવું તેમજ વહેવાર સાચવવો ...પિક્ચર અભી બાકી હૈ ...
"મલ્ટી ટાસ્કીંગ " માં બા નો જોટો ન જડે . બાને ખેતીનું સારું જ્ઞાન હતું . ઘરમાં જ અનાજ પાકતું તેમજ કેરીની વાડી હતી . બાએ "મધર ઈન્ડિયા" ની જેમ હળ ખેડ્યું છે ,સમય સમયે વાડીની જાળવણી , મજૂરો પાસે કામ લેવડાવવું , ઈંધણના ભારા લાવવા , અનાજ જાતે દળવું , કોઠારમાં અનાજની જાળવણી કરવી , પાપડ ખીચા બનાવવા , વિવિધ પ્રકારના અથાણાં બનાવવા , ઘરમાં કામ માટે આવતી પાલીબેન પાસે કામ લેવડાવવું , એના કુટુંબને પણ રોજ જમવાનું આપવાનું , સમય સમયે ઘરમાં લીંપણ કરવું , ચૂલો બનાવવો , સગડી બનાવવી , વહેવાર સાચવવા , સંધ્યા ટાણે ધૂપદીપ કરવા , ફાનસ પેટાવવા ,સાંજનું વાળું કર્યા પછી નાગરવેલનાં પાનમાં કાથો અને ચૂનો મૂકી બીડા બનાવી બધાને આપવા તેમજ પોતે પણ ખાતી, રાત્રે પથારી પાથરવા ભાઈને મદદ કરવી . આ સિવાય ત્રણ ગાય અને બે ભેંસ , એમની દેખરેખ માટે ભાઈને મદદ કરતી . પહેલા તો જાતે દૂધ દોહતી પણ પછીથી એક માણસ આ કામ માટે રાખેલ . બાએ એના આ અબોલ પ્રાણીઓની સુવાવડ પણ કરી છે .અમે એક તાજું જન્મેલ વાછરડું પણ જોયેલ .
બા પોતાના બાળકોને ખુબ પ્રેમ આપતી અને સુઘડ રાખતી . બા એટલે અમારા માટે વ્હાલનો દરિયો . વેકેશન શરૂ થાય એના બીજા દિવસે અમે ભાઈ બહેનો બધા ટ્રેનમાં અમારા ગામ પહોંચી જતા અને જાણે કે અમારો સુવર્ણ સમય શરૂ થઈ જતો . બા હંમેશા કહેતી " મારી ભરેલી વાડી " -અમને જોઈને ખુબ આનંદ પામતી . બા ઘણી પરગજુ . આંગણે માંગવા આવનારને ચોખા , લોટ વગેરે ભિક્ષામાં આપતી . બપોરે જમ્યા પછી થોડોવાર "વામકુક્ષી" વખતે અને રાત્રે સૂતી વખતે અમને પૌરાણિક તેમજ જાતજાતની બોધકથાઓ કહેતી . અમારી કલ્પના શક્તિ તેમજ લેખન કાર્યમાં બા એ મહત્વનો ભાગ ભજવ્યો છે . અમને સવારે નવડાવી ધોવડાવી , મંદિર લઈ જતી .અમારા ગામના એક જગદીશકાકા નામે બ્રાહ્મણ બા ને "અન્નપૂર્ણા" કહેતા . બા અતિથિને તો જમાડ્યા વગર મોકલતી નહિ . બાના અતિથિ સત્કારની વાહ વાહ થતી .
બા ત્રણ કે ચાર ધોરણ સુધી ભણેલી હતી . વાંચનનો એને ઘણો શોખ . રોજેરોજ છાપું તેમજ અન્ય મેગેઝીન વાંચતી .મને યાદ છે જયારે "લેડી ડાયના " મરી ગયા હતા એ સમાચાર મને બા એ કીધેલા . બા જાતજાતની વાનગીઓ પણ ખુબ સ્વાદિષ્ટ બનાવતી , અમારા અનાવિલોની પ્રિય વાનગી પાતરા , પૂડા ,દેસાઈવડા તેમજ મિષ્ટાન તો લાજવાબ .
બાને અમુક વનસ્પતિ તેમજ ઘરઘથ્થું ઉપચારનું પણ ઘણું જ્ઞાન . બા ની બનાવેલ આયુર્વેદિક ગુટીઓ મારા દિકરાને મેં આપેલ . ગામના ઘણા લોકોને બાએ ગુટીઓ બનાવી આપેલી . અમને ચા પીતી વખતે પૂછે કે તમને ચામાં લીલી ચા અને ફુદીનો જોઈએ તો તરત પાછળ વાડામાંથી તોડી એમાં નાખી મજેદાર ચાનો આસ્વાદ કરાવતી . દાળમાં મીઠો લીમડો , પણ એ તાજો તોડતી . એ સિવાય બાએ વાડામાં જાતજાતના ઝાડ ઉગાડેલા .
બા ને મેં ક્યારેય લોઈપણ જાતની ફરિયાદ કરતા સાંભળી નથી . હંમેશા હસતી રહેતી . બાને અમે કહેતા કે આટલું કામ કરવા છતાં થાકતી નથી ,આ ઉંમરે ક્યાંથી આટલી ઉર્જા લાવે ? ત્યારે એ બોલતી " મારુ તો આજસુધી માથું પણ નથી દુખ્યું કે બીજી કોઈ માંદગી નથી " બાનું મનોબળ ઘણું મજબૂત . બાના આ શબ્દો મેં યાદ રાખ્યા છે એટલે ઘણીવાર કોઈ દુખાવો થાય ત્યારે બાની જેમ હું પણ ગણકારતી નથી .
બાનું જીવન એકદમ સરળ અને સાદગીભર્યું . કોઈ પક્ષપાત નહીં , વિચારો પણ ઊંચા કે સ્ત્રીઓએ પોતે કમાવું જોઈએ , એની સરળતા અને નિખાલસતા મને સ્પર્શી જતી. બાને લગભગ ૮૨ વર્ષે એક વાર પાણીની મોટર નો વીજકરંટ લાગેલો , એક હાથ ત્યારથી થોડો નબળો પડેલ પણ બા એક હાથે રસોઈ કરતી . બાને ગરમ જમાડવાનો ખુબ આગ્રહ રહેતો એટલે ઘરના બધા નિયમીત સમયે જમી લેતા .
ગામમાં આજુબાજુના લોકો બા પાસેથી જ દૂધ લેતાં જેને "લાયણી " કહેતાં . બા વધારે હિસાબ કિતાબ રાખતી નહીં પણ દૂધ એકદમ તાજું આપવામાં માનતી . એમાંથી જે રૂપિયા આવે એ અમને વાપરવા આપતી .અમે ના પાડીએ તો કહેતી, કે " મારી પાસે તો ઘણાં રૂપિયા છે તમારે તો લેવાનાજ " .
કેરીની સીઝનમાં બા ભાઈને ઘણી મદદ કરતી . અમે બધાં છોકરાઓ પણ વાડીમાં પહોંચી જતાં . કાચી કેરીને ઘરના બે માળિયામાં ગોઠવી ,એમાં ઘાસ પાથરી એને કુદરતી રીતે પકવતા . એ કેરીને "કલમની કેરી " કહેતાં . આ કેરીઓ પોતાની ભરેલી વાડીના દરેક સભ્ય ખાઈ શકે એટલે એલોકોને પણ વ્યવસ્થિત પેક કરી પહોચાડવામાં ઘણી મહેનત લેતી .
ભગવાનની કૃપાથી મારા બા અને ભાઈ ઘણાં તંદુરસ્ત અને લાંબુ જીવ્યા એનો શ્રેય મારી બાને જાય છે . બાના વિચાર જ અમૂલ્ય . વારે તહેવારે , પ્રસંગે ઉત્સાહ જાળવી રાખવો , સામાન્ય બજેટમાં ઘર ચલાવવું , વહેવાર સાચવવો , કામ સિવાય આસપાસ ન જવું , પારકી પંચાત તો કયારેય ન કરતી જોકે બા પાસે આ માટે સમય જ નહતો . બાના અમુક વાક્યો મેં મારા મનના પેટારામાં ભરી રાખ્યા છે કે ," પડશે એવા દેવાશે " , મુસીબત વખતે "કાંઈ થવાનું નથી " તેમજ એ કહેતી "હરતાં ફરતાં અને કામ કરતતાં રહેવું એટલે કોઈ રોગ આપણને સ્પર્શી શકતો નથી ".
બા દિકરા દિકરીમાં કોઈ અંતર ન રાખતી તેમજ સંપત્તિ વહેંચણીમાં એણે સમાનતાનો આગ્રહ રાખેલો. બાએ કેટલી બધી ભૂમિકાઓ નિભાવી છે અને દરેક કસોટીમાં બા અવ્વ્લ જ ખરી ઉતરી છે. ભાઈના મૃત્યુ પછી એકલવાયું લાગતું છતાં બા કયારેય કોઈ ફરિયાદ નકરતી. બાએ ઘરના દરેક લોકોને સાથ આપ્યો છે , દરેકરીતે. એમાં મને સૌથી વધારે જે કયારેય ભુલાય એમ નથી. મને ઘણીવાર એવું લાગે કે બા સાથે હજુ થોડા વધારે ગપ્પાં માર્યા હોત, અને એને સાંભળ્યા કરી હોત.હું મારી જાતને ખુબ નસીબદાર માનું કે બા સાથે રહેવાનો અમને ઘણો સમય મળ્યો . બાને પોતાના વહુ દિકરા , દિકરી જમાઈ , પૌત્ર પૌત્રી , દોહિત્ર દોહિત્રી દરેક લોકો સાથે સારી ફાવટ ."જનરેશન ગેપ " શબ્દ તો એની ડિક્ષનરીમાં નહતો .વેકેશનમાં અમે બધાં લગભગ ૩૦ લોકો ફરવા જતા. ત્યારે "બાની ભરેલી વાડી" ના દરેક સભ્યોને ઉલ્લાસ પામતાં જોઈ બા સતત આશીર્વાદ આપતી . એનાં પ્રપૌત્ર પણ આજની તારીખમાં એને યાદ કરે છે . એલોકોએ પણ બાના વ્હાલનો લ્હાવો લીધો છે .
૧૦-૧૨-૨૦૨૧ ના દિવસે થોડી માંદગીબાદ બાનો દેહાંત થયો . આમતો બા ૯૨ વર્ષે દેવલોક પામી પણ એમ થાય કે બા જેવા લોકો તો હંમેશા જોઈએ . હવે એ ગામના ઘરે કોઈ "આવ " કહેવા વાળું નથી ," દિકરી , પાછી ક્યારે આવશે ? " એ પડઘા ઘણીવાર સંભળાય છે . આજે પણ એ દ્રશ્ય હંમેશા આંખ સામે દેખાય છે બોખા મોઢા , ચશ્મા પહેરેલ , બા અને ભાઈ ઓટલા પરથી અમને આવજો આવજો કરી સડક પર દેખાય ત્યાં સુધી અમને હાથ હલાવે .આજે ઓટલાઓ સૂના પડયા છે . રાત્રે દિવા કરવા ટાણે હું પ્રભુને કહું કે મારા બા અને ભાઈ જ્યાં હોય ત્યાં એમનેય સાથે રહેજે અને દરેક જન્મ લઉં તો મને આ લોકો ભાઈબા તરીકે મળે .

