મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .

" લય ભારી પૂના " - પૂના( ડેક્કન ), આણંદી, દેહુ, પ્રતિ બાલાજી નારણ ગાવ -એક સુંદર નાનકડો પ્રવાસ



પૂના માટે મેં મરાઠી શબ્દ "લય ભારી " એમ લખ્યું છે એટલે જબરદસ્ત એમ કહી શકાય. પૂના આમતો ઘણું મોટું. ઐતિહાસિક અને આધુનિકતાનો સંગમ તેમજ પ્રગતિ કરતું વિકાસશીલ અને મહારાષ્ટ્રની અસ્મિતા જાળવતું શહેર છે.
અમે "ડેક્કન " વિસ્તારમાં આવેલ સ્થળોએ નાનકડો પ્રવાસ માણ્યો જે મેં મારા શબ્દોમાં વર્ણવ્યો છે.

પહેલો દિવસ
:-મુંબઈ થી પૂના
સવારે 11 વાગ્યે નાશ્તો પૂના જવા નીકળ્યા. મુંબઈના ટ્રાફિકનો અનુભવ હતો. બપોરે અઢી વાગ્યા સુધી તો અમે નવી મુંબઈ જ હતાં. થોડો વાર પછી "મુંબઈ પૂના એક્સપ્રેસ વે" આવ્યો જે માટે સરકારને ધન્યવાદ. લોનાવાલા ખંડાલા ઘાટ શરૂ થયો. લગભગ એક મિનિટ સુધી "ટનલ"ની મજા માણી. પહાડોને ભેદી, ટનલ બનાવનાર મજૂરોને પણ સલામ. સાતપૂડા પર્વતની હારમાળામાં આવેલ આ સ્થળનું સૌંદર્ય ચોમાસામાં માણવા જેવું હોય છે. સાડા ચાર વાગ્યે અમે પૂના આવી ગયા. અમારી હોટેલ પણ એટલી જ સુંદર અને સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી. વાતાવરણ ખુશનુમા હતું.
ફ્રેશ થઈ અમે અહીંની એક લોકલ રીક્ષા ભાડે કરી અહીંના પ્રખ્યાત"સારસ બાગ"આવ્યા. અતિ ભવ્ય પ્રાંગણ અને મોટા વિસ્તારમાં આવેલ આ બાગ ખરેખર જોવા લાયક છે. આ બાગમાં જ "શ્રી સિદ્ધિ વિનાયક" ગણપતિબાપાનું સુંદર મંદિર છે. આરતી કર્યા પછી નિરાંત અનુભવી.
ત્યારબાદ અમે પ્રખ્યાત "દગડુશેઠ" ગણપતિબાપાના દર્શન કર્યા. દગડુશેઠ હલવાઈ દ્વારા બનાવવામાં આવેલ આ મંદિર પ્રત્યે ઘણાં લોકોને આસ્થા છે અને દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે. ભગવાનને મળવા સતત ધસારો રહે છે.
અમારી હોટેલ ખુબ જ પ્રખ્યાત "ડેક્કન પૂના "માં આવેલ ફર્ગ્યુઝન કોલેજ પાસે, જે ખુબ અવરજવર અને ધમધમતો વિસ્તાર. જ્યાં જમવા માટે પ્રખ્યાત હોટેલ, ચિતળે બંધુની પ્રખ્યાત દુકાન( ભાખરવડી પણ વખણાય ) અને કાકા હલવાઈ અને અનંત હલવાઈ ની દુકાન તેમજ કપડાં અને અન્ય વસ્તુની ખરીદી માટે પુષ્કળ દુકાનો.
અમે એ દિવસે થાકી ગયા હોવાથી જમીને જલ્દી સૂઈ ગયા.
બીજો દિવસ
:-પર્વતી, કસબા ગણપતિ
સવારે ચા નાશ્તો કરી અમે આવી પહોંચ્યા "પર્વતી "સ્થળે. "પર્વતી " એક ધાર્મિક અને ઐતિહાસિક પવિત્ર સ્થળ છે. નામ પ્રમાણે જ એક નાનકડા પર્વત પર પેશવાઈના જમાનામાં તેમના દ્વારા બનાવેલ સૌથી પ્રાચીન સ્થળ.સમુદ્રથી 2100 ફૂટ ઉપર આવેલ, નાનકડી ટેકરી અમે 15-20 મિનિટમાં ચઢી ગયા. એના 103 પગથિયાં થોડા મોટાં પણ નીચા ઢોળાવવાળા હોવાથી ટ્રેકિંગ કરતા હોય એવો અનુભવ આવે. બાલાજી બાજીરાવ દ્વારા બનાવવામાં આવેલ આ પર્વતી હિલમાં સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી આવી શકાય છે.
અહીં દેવદેવેશ્વર, પાર્વતી, વિઠ્ઠલ રુક્મણી, કાર્તિક તેમજ વિષ્ણુ ભગવાનના નાના નાના મંદિરો છે. ખુબ શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થયો. અહીં વૃક્ષો પણ ઘટાદાર છે. જાણે કે ટેકરી પર જંગલ, એમાં કિલ્લો અને મંદિર. અહીં એક મ્યુઝિયમ પણ છે જેમાં 25/- રૂપિયા ભરી પેશવાઓના સમયમાં વપરાશમાં આવતાં સામાન જેમકે તલવાર થી લઈ પાલખી તેમજ અન્ય ઘરવપરાશ, આભૂષ્ણ, સિક્કા વગેરે એમની રહેણીકરણીના દર્શન કરાવે છે. અહીં નાના સાહેબ પેશવાની સમાધિ પણ છે. આ મંદિરોમાં ની મૂર્તિઓ અપ્રતિમ છે. મંદિરોના બાંધકામ પણ ખુબ સુંદર અને ભવ્ય છે. અમે અહીં થોડોવાર ધ્યાન પણ કર્યું. અમે થોડો વાર પછી ઉતર્યા.
અમે ત્યારબાદ "શનિવારવાડા " જોવા આવ્યા.ખુબ જ ભવ્ય મોટા પ્રાંગણમાં જ્યાં પેશવાઓનો મહેલ બાજીરાવે બંધાવ્યો હતો, જે હવે નથી.અહીં મુખ્ય દરવાજાને "દિલ્હી દરવાજા " કહેવાય છે. બાકીના ઘણાં દરવાજા જેમકે ગણેશ દરવાજા, મસ્તાની દરવાજા, જાંભલ દરવાજા, નારાયણ દરવાજા અને ખિડકી દરવાજા.
એમ કહેવાય છે કે અહીં લગભગ 1000 લોકોનો પરિવાર રહેતો હતો. સાત માળ ધરાવતાં આ મહેલને એક સમયે આગ લાગવાથી ઘણું નુકશાન થયું હતું.
એવી લોકવાયકા છે કે નારાયણરાવ પેશવાને ઘણી નાની ઉંમરમાં કાવતરું કરી મારી નાખવામાં આવ્યા હતાં, બચવા માટે તેઓ ખુબ કરુણ રીતે બૂમો પાડી રહ્યાં હતાં. આ સાંભળી ઘણું દુઃખ થયું કે દુશમન કેવો કે એની નાની ઉંમરની પણ દયા ન આવી.
આજે પણ અડીખમ ઉભેલા દરવાજા, અને પથ્થરની દિવાલો એ સમયના ભવ્ય ઈતિહાસની સાક્ષી આપે છે. એકવાર તો આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવી જ રહી.
ત્યાંથી અમે નજીકમાં જ આવેલ "કસબા ગણપતિ" મંદિરના દર્શન કરવા ગયા. આ મંદિર અંદાજે 400 વર્ષ પુરાણું અને જીજામાતા દ્વારા બંધવામાં આવેલ. આ મંદિરમાં લાકડાનો વધારે ઉપયોગ થયેલ છે. આવા પદ્ધતિના મંદિર મને અહીં જ વધારે દેખાયા.
ફ્ક્ત પાંચ મિનિટના અંતરે હજુ એક પૂરાતન કાળનું " કેદારેશ્વર " મહાદેવ જે લગભગ 1200 વર્ષ જુનું છે. શિવલિંગ જોતાં એ અતિશય પ્રાચીન કાળનું લાગ્યું. એક વાતનું દુઃખ થયું કે આ મંદિર આટલું પ્રાચીન હોવાં છતાં એની જાળવણી પ્રત્યે ઘણી બેદરકારી દેખાઈ.
ત્યારબાદ અમે સાંજે લક્ષ્મીરોડ નજીક આવેલ સાડીઓની દુકાને આવ્યા. અહીં આખી બજાર છે જ્યાં સાડી તેમજ ડ્રેસની દુકાનો છે. અમે અહીં પુણેરી ડ્રેસ અને એક સુંદર સાડી ખરીદી.
રાતે જમી કરી અમે એક પ્રખ્યાત પીણું "મસ્તાની " પીવા આવ્યા. જે વિવિધ ફળોના મિલ્કશેક તેમજ આઈસક્રીમના સ્કૂપથી બનાવેલ. ખુબ જ ભાવ્યું.
આધુનિકતા અને પ્રાચીનતાનો સુંદર સમન્વય એટલે પૂના.
ત્રીજા દિવસે :-
આણંદી
આજે અમે પવિત્ર સ્થળ આણંદી માટે પ્રસ્થાન કર્યું. રસ્તાઓ ઘણાં વિશાળ હતાં. અહીં વચ્ચે અમે એક જેલ જોઈ, જેનું નામ "યરવાડા " હતું.
પૂનાથી 30-35 કિલોમીટર દૂર આવેલ આણંદી અમે એક કલાકમાં પહોંચી ગયા. રસ્તે આવતા ઘરો વિકસીત હતાં. ઈંદ્રાયણી નદીના કિનારે ઘાટ ઉપર ઘણાં લોકો જોવા મળ્યા. વાતાવરણમાં સકારાત્મક ઉર્જા હતી. અમે પગથિયાં ઉતરી ઈંદ્રાયણી માતાને નમસ્કાર કર્યા. એક વાતનું દુઃખ થયું કે આટલા પવિત્ર અને ધાર્મિક સ્થળ હોવાં છતાં આ નદી ઘણી દુષિત છે. ઘાટના કિનારે લોકો સ્નાન કરતા હતાં, કેટલાંક કપડાં ધોઈ રહ્યાં હતાં અને કેટલાયે બેઘર લોકો ત્યાં સૂતા હતાં. પાણીમાં દીવડા અને ફૂલહાર હતાં.
મેં મનોમન પ્રાર્થના કરીકે લોકોમાં જાગૃતિ આવે અને ખરા અર્થમાં ઈંદ્રાયણીમાતાને સ્વચ્છ રાખે.
ઠેર ઠેર શંખ, શિવલિંગ ( સ્ફટિક ના પણ ) માળા, જુના સિક્કા વેચાતા હતાં. મેં પણ 4 જુના સિક્કા ખરીદ્યા જેના મેં રૂપિયા 600 ચૂકવ્યા.
ત્યારબાદ અમે સંત જ્ઞાનેશ્વરના સમાધિ સ્થળે પહોંચ્યા. ઢોલ, મંજીરા, વીણા સાથે વિઠ્ઠલ નામની અતિ સુંદર કર્ણપ્રિય ધૂન વાગી રહી હતી અને અભંગ પણ વાતાવરણમાં ગુંજતા હતાં. એક મોટાં ભજનકક્ષમાં નાના બાળકથી લઈ મોટા સૌ કોઈ ભજન ગાતા હતાં, આ ધૂન 24 કલાક ચાલે છે અને સૌ ઉભા રહી ગાય છે. મારા આંખમાંથી ભક્તિના સ્પંદનને લીધે હર્ષાશ્રુ આવી રહ્યાં હતાં. દર્શન માટેની લાઈનમાં બધાં ભજનમાં તલ્લીન હતાં.
વારકરી સંપ્રદાયના લોકો ઘણાં ભક્તિવાળા હોય છે અને પાલખી કાઢી કેટલાયે કિલોમીટર ચાલીને મંદિર આવે છે.
મંદિર અતિ પ્રાચીન છે. સંત જ્ઞાનેશ્વરને અહીં સાક્ષાત ભગવાન માને છે. એમના ભાઈઓ નિવૃત્તિ, સોપાન અને એમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર માને છે. એમની બહેન મુક્તાબાઈ.
જ્ઞાનેશ્વર મહારાજની માતાએ અહીં એક પીપળાના વૃક્ષ પાસે એક લાખ પ્રદક્ષિણા કરી હતી. આ મંદિર શંકર પાર્વતીનું પ્રાચીન મંદિર હતું. લોકવાયકા છે કે જ્ઞાનેશ્વર મહારાજ માટે શંકર ભગવાને મંદિરના નંદીને ખસી જવા કહ્યું, નંદી ખસી ગયો. ત્યાં નીચે ભોંયરામાં જ્ઞાનેશ્વર મહારાજે 16 માં વર્ષે અહીં સમાધિ લીધી. આ મંદિરના દર્શન કરી મન અને હૃદય પવિત્ર થયા. મંદિરની દીવાલો પર ઠેર ઠેર અભંગ અને શ્લોક લખેલા છે. ધન્ય ધન્ય છે આ સંસ્કૃતિ!
ત્યારબાદ અમે નજીકમાં જ"ભીંત " નામના સ્થળે ગયાં. ચાંગદેવ નામના એક મોટાં સંત જેમને ઘણું અભિમાન હતું તેઓ જ્ઞાનેશ્વરને મળવા વાઘ ઉપર બેસી આવ્યા, ત્યારે જ્ઞાનેશ્વર જે ઓટલા ઉપર બેઠાં હતાં તે ઓટલો આકાશ માર્ગે લઈ જઈ ચાંગદેવને મળવા આવ્યા. ચાંગદેવ ખુબ આશ્ચર્ય પામ્યા.
લોકવાયકા છે કે ચાંગદેવને એવી શક્તિ પ્રાપ્ત હતી કે યમને જોઈ શકતા. એટલે 14 વાર એવુ બન્યું કે યમરાજ એમને લેવા આવતા ત્યારે ચાંગદેવ છુપાઈ જતાં.6 મહિના એ જીવતા જાગતા રહેતા. એમનામાં એ પણ સિદ્ધિ હતી કે તેઓ મૃત્યુ પામેલાને પણ જીવતા કરી શકતાં. એકવાર તેઓ સાધના કરતા હતાં ત્યારે ગામ બહાર થોડા મૃત્યુ પામેલા લોકો હતાં. જ્ઞાનેશ્વર મહારાજે એમને પૂછ્યું કે આ બધાં મૃતદેહો અહીં શા કારણે છે ત્યારે ગામલોકોએ જવાબ આપ્યો કે આ મૃતજનોને ચાંગદેવ સાધનામાંથી બહાર આવી જીવંત કરશે. જ્ઞાનેશ્વર મહારાજે એ મૃતદેહો પર પાણી છાંટી જીવતા કર્યા. આ વાત જાણી ચાંગદેવને ખબર પડી કે જ્ઞાનેશ્વર મહારાજ કોઈ સાધારણ વ્યક્તિ નથી. તેથી તેમને મળવા આવ્યા. તેમણે મુકતાબાઈને પોતાના ગુરુ બનાવ્યાં.
આ સ્થળે આજે પણ એ ભીંત એટલેકે એ ઓટલો કાચની દિવાલ કરી સાચવી રાખ્યો છે.
ત્યાંથી નજીકમાં એક પુરાતન ઘરમાં મુકતાબાઈ જ્ઞાનેશ્વર મહારાજની પીઠ પર રોટલાં ઘડતાં એ જગ્યાએ આવ્યા.
ખરેખર ધન્ય છે આ ચારેય ભાઈબહેનને જેઓ મહાન સંત છે.
ત્યાંથી પાંચ મિનિટના અંતરે અમે "કાશી વિશ્વેશ્વર " નામના અતિ પ્રાચીન મંદિરમાં આવ્યા. લોકવાયકા છે કે આ શિવલિંગ સ્વયંભૂ છે, નીચે ગુપ્તગંગા વહે છે અને ઈન્દ્રાયણી નદીને મળે છે. પૂજારીબહેને કીધું કે આ મંદિર કાશી વિશ્વનાથ જેવું જ પવિત્ર છે.
ત્યારબાદ અમે નજીકમાં આવેલ જલારામ મંદિરે ગયાં. રસ્તામાં પાલખીના દર્શન કરી ધન્યતા અનુભવી.
અમે બપોરે જમવામાં અહીંની એક હોટેલમાં પૂણેરી મિસળની લહેજત માણી.
ત્યાંથી અમે દેહુ આવવા માટે ગાડીમાં બેઠાં. તુકારામ મહારાજનું જન્મ સ્થળ તેમજ જે સ્થળે અંત સમયે ભગવાનનું વિમાન એમને લેવા આવેલ અને સદેહે તેઓ એ વિમાનમાં બેસી સ્વર્ગે ગયાં એ પવિત્ર સ્થળે અમે લગભગ એક કલાકમાં આવી ગયાં. અહીં પણ ઈંદ્રાયણી માતાના દર્શન થયા. અહીં એક વિઠ્ઠલ રુક્મણી મંદિર છે જ્યાં તુકારામ મહારાજ રોજ પૂજા કરતા. અમે એમના જન્મ થયેલ એ ઘર પણ જોયું.
આટલા પવિત્ર સ્થળ પૂનાની નજીક હોવાથી એક દિવસમાં અમે દર્શન કરી શક્યા અને એ બદલ ભગવાનનો આભાર માન્યો. મહારાષ્ટ્રના સંતો પણ પૂજનીય છે.
લગભગ 4 વાગ્યે અમે "આર્ટ ઑફ લિવિંગ " ના " ત્રિવેણી " આશ્રમમાં આવવા માટે નીકળ્યા. ભીમા, ભામા અને ઈંદ્રાયણી નદીના સંગમ નજીક આ આશ્રમ છે એટલે એનું નામ ત્રિવેણી રાખ્યું છે. સુંદરતા અને આધ્યાત્મિકતાનો સમનવ્ય સમા આ આશ્રમમાં જબરદસ્ત સકારાત્મક ઉર્જા હતી. આશ્રમ ઘણા વિશાળ જગ્યામાં છે અને અહીં ઘણા લોકો ધ્યાન અને આધ્યાત્મિક કોર્સ કરવા આવે છે. ગુરુજી શ્રી શ્રી રવિશંકર પોતે પણ પૂના આવે ત્યારે અહીં જ્ઞાન આપે છે. સ્વયંસેવકોની નિસ્વાર્થ સેવા જોઈ મન પ્રસન્ન થઈ જાય છે.
મોડી સાંજે અમે પાછા અમારી હોટેલ આવ્યા અને ફર્ગયુઝન કોલેજ ની આસપાસ આવેલ ધમધતા વિસ્તારમાં ખરીદી કરી અને જમ્યા. વાતાવરણ ખુબ આહલાદક હોવાથી મજા આવી ગઈ. મોડી રાત્રે થાકેલા પાકેલા હતાં એટલે જલ્દીથી સુઈ ગયાં કારણ પછીના દિવસે અમારે મુંબઈ આવવાનું હતું.
ચોથો દિવસ :-લાલમહલ,મહાલક્ષ્મી માતાનું મંદિર, પ્રતિબાલાજી
સવારે અમે નવેક વાગ્યે પ્રખ્યાત "ગુડલક ઈરાની રેસ્ટોરન્ટ " માં બનપાવ અને ચા નાશ્તો કર્યો.એની બાજુમાં જ "કલાકાર કટ્ટા " નામનું અલગ સ્થાન અને બેઠકો જ્યાં ઘણાં લોકો ચાની ચુસ્કી માણતા દેખાયા તેમજ અન્ય આર્ટવર્ક કરનારા ચિત્રકારો પેન્સિલ આર્ટ દ્વારા તમારું ચિત્ર દોરી આપે, હા આપણે સામે બેસવું પડે. ખાસ કરી સાંજે અહીં ભીડ હોય છે.
પછી અમે શિવાજી અને જીજામતા રહેતા એ "લાલમહલ" જોવા આવ્યા. શિવાજી મહારાજે અહીં જ સાઈસ્ત ખાન જે એમના પર હુમલો કરવા આવ્યો એની ચાર આંગળીઓ તલવારથી કાપી નાખી હતી. આ મહેલનો "હેરિટેજ " માં સમાવેશ કરવામાં આવ્યો છે. એનો ઝીર્ણોધ્ધાર કર્યો છે. શાંત, સુંદર સ્થળ અને નાનો મહેલ પણ મજબૂત બાંધકામ.
ત્યાંથી અમે સારસ બાગ પાસે આવેલ મહાલક્ષ્મી માતાના મંદિર આવ્યા. અહીં સરસ્વતીમાતા, મહાલક્ષ્મી માતા અને મહાકાલીમાતાની સુંદર પ્રતિમાઓ છે.
પછી અમે બજારમાંથી પૂનાની પ્રખ્યાત દુકાનમાંથી મીઠાઈઓ, ભાખરવડી વગેરે લીઘું. બપોરે જમ્યા પછી અમે મુંબઈ આવવા રવાના થયા અને રસ્તામાં આવતા નારણગાવનું મંદિર જે "પ્રતિબાલાજી " તરીકે ઓળખાય છે અને લગભગ 40-45 કિલોમીટર દૂર છે.
તમે તિરુપતિ બાલાજીના દર્શન કર્યા હશે તો તમને એની પ્રતિકૃતિ લાગશે જ. ખુબ ખુબ સ્વચ્છ, નિર્મળ, પ્રકૃતિના ખોળે, ચારેકોર પર્વતોની વચ્ચે આવેલ આ સ્થળે અમને મુગ્ધ કરી દીધા.
મંદિરની સ્વછતા અને પવિત્રતા કહેવું પડે. તમને કેમેરા અને મોબાઈલ લઈ જવાની મનાઈ છે અને તમારે એ જમા કરાવવા પડે છે.
મંદિરમાં બાલાજી, મહાલક્ષ્મી માતાની મૂર્તિઓ જાજરમાન અને અપ્રતિમ છે જાણે કે સાક્ષાત વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીમાતા દર્શન આપી રહ્યાં હોય. વેણુગોપાલ ( કૃષ્ણ ), રુક્મણી, સત્યભામાની પણ સુંદર મૂર્તિઓ છે. આજુબાજુ હનુમાનજી અને કુબેરની પણ મૂર્તિઓ છે.
તમે આ મંદિર એક વાર જોશો તો તમારું મન મોહી જશે. ત્યારબાદ અમે થોડો વાર બેઠાં, મોબાઈલ વગેરે પાછા લઈ બહાર હાજર પ્રોફેશનલ ફોટોગ્રાફર પાસે ફોટા પડાવ્યા.એક છોકરા પાસે કપાળે ચંદનનું તિલક લગાવ્યું જેઓ આપણને બીબાથી કપાળે સરસ રીતે તિલક લગાવી આપે.
પાછા અમારી ગાડીમાં બેસી ગીત સાંભળતા, વાતો કરતા મુંબઈ આવી ગયાં.
એકંદરે પૂનાનો નાનકડો પ્રવાસ સુખદ, યાદગાર અને આનંદદાયક રહ્યો.