મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
નાનકડી જાત્રા -પંચવટી , ગોદાવરી ઘાટ , તપોવન
શું તમને ખબર છે નાસિકનું નામ કેવી રીતે પડ્યું ? એ જાણવા આખો લેખ વાંચવો જ પડે .કળિયુગમાં રામાયણકાળના સાક્ષી એવા નાસિક શહેર જ્યાં પવિત્ર ગોદાવરી નદી વહે છે અને દર 12 વરસે કુંભ મેળાનું આયોજન થાય છે . 14 વર્ષના વનવાસ દરમ્યાન રામ , લક્ષ્મણ ,સીતાજી અહી થોડા સમય રહ્યાં હતાં .
મુંબઈથી લગભગ પોણા બસો કિલોમીટર જેટલા અંતરે આવેલ આ સફર સમૃદ્ધિ હાઈવે દ્વારા માણવા જેવી છે , એમાંય એક મસમોટી ટનલ લગભગ 8.6 કિલોમીટર લાંબી છે.
અમે સૌથી પહેલાં આવી પહોચ્યા ગોદાવરી ઘાટ . હનુમાનજીની ભવ્ય મૂર્તિ , ઘાટની આસપાસ નાનકડાં અનેક મંદિર જેમાં સિંહસ્થ ગૌતમી ગંગા ગોદાવરી મંદિર જે બાર વરસે જ ખુલે ,જુલેલાલ , શંકર ભગવાન , સાઈબાબા કાલારામ મંદિર છે . ગોદાવરીમાતાનું જળ ખુબ જ ચોખ્ખું હતું અમે પગે લાગી , એક બોટલમાં જળ ભર્યું અને આભાર માન્યો . આસપાસ જેટલી સ્વચ્છતા હોવી જોઈએ એટલી નહતી , ગરીબી દેખાતી હતી .
ત્યાંથી નજીકમાં જ અમે પંચવટી આવ્યા .પંચવટી એટલે પાંચ વૃક્ષોનો સમૂહ એના દર્શન કર્યા . લક્ષ્મણજીએ શુર્પણખાનું નાક કાપ્યું હતું એટલે શુર્પણખાએ ખર અને દુષણને આ વાત કરી તેથી રામ અને લક્ષ્મણ સાથે યુદ્ધ થયું ,રામે સીતામાતાને એક ગુફામાં ગુપ્ત રાખ્યા હતાં . આ સીતાગુફા . અહી પ્રવેશદ્વાર પછી એક વ્યવસ્થિત ભોંયરામાં અમે પ્રવેશ કર્યો .ત્યાં રામજી, લક્ષ્મણજી અને સીતામાતાની મૂર્તિ હતી . એક પૌરાણિક શિવલિંગ , પાર્વતીમાતા અને ગણપતિબાપાની મૂર્તિ હતી . મેં તરત જ સાથે લાવેલ ગોદાવરી જળનો શિવલિંગ પર અભિષેક કર્યો .
આ પવિત્ર સ્થળની જોઈએ એટલી જાળવણી થઈ નથી , ગુફાના પ્રવેશદ્વાર પાસે એકદમ નજીકમાં નાની નાની અનેક દુકાન છે . ખેર , ત્યારબાદ અમે એક રિક્ષા સ્ટેન્ડ પાસેથી રિક્ષા નક્કી કરી જેના સંજયભાઈ અમને તપોવન અને બીજા અનેક સ્થળે ફેરવવાના હતાં .સૌથી પહેલા અમે આવી પહોંચ્યા રામની પર્ણકૂટીમાં ,ચાતુર્માસ દરમ્યાન તેઓ અહી રહેતાં . અહી એક પીપળાનું ઝાડ અને હનુમાનજીની મૂર્તિ હતી .
ત્યાંથી સહેજ આગળ એક પુલ નીચે પાણી વહેતું હતું . આ એજ સ્થળ જ્યાં લક્ષ્મણજીએ " લક્ષ્મણ રેખા " દોરી હતી . એ સમયે આ અગ્નિરેખા હતી પણ રાવણે સીતામાતાનું અપહરણ કર્યું એ દરમ્યાન સીતાજીનો ચરણ સ્પર્શ થતાં એ પાણી બની ગયું , ત્રેતા યુગમાં અગ્નિ રેખા અને કળિયુગમાં જળરેખા .
ત્યારબાદ નજીકમાં 5000 વર્ષ પુરાણું હનુમાનજીનું મંદિર છે . એને "લંબે હનુમાન " અને "કાત્યા હનુમાન " કહેવાય છે . હનુમાનજીની મૂર્તિ અગિયાર ફૂટ ઉંચી છે . આ મૂર્તિ કાંટાના ઝાડમાંથી સ્વયંભૂ છે . મંગળવાર અને શનિવારે અહો સિંદુરનો લેપ કરવામાં આવે છે . અહી ખરા હ્રદયથી માંગેલ ઈચ્છા પૂર્ણ થાય છે .
થોડે દુર એક બીજું મંદિર એ સ્થળ એટલે રાવણે જે સ્થળેથી સીતાજીનું અપહરણ કર્યું હતું . આ ભારતનું એક માત્ર મંદિર જેમાં એકલા સીતાજી છે અને રાવણની પણ મૂર્તિ છે .અમે દર્શન કર્યા .
ત્યારબાદ અમે અમે લક્ષ્મણજીણે સમર્પિત એક મંદિર , જે આખા વિશ્વમાં માત્ર એક મંદિર જેમાં લક્ષ્મણજી શેષનાગના રૂપમાં વિરાજીત છે . લક્ષ્મણજીએ અહી ઘણું તપ કર્યું હતું . ધન્ય છે લક્ષ્મણજીની રામ પ્રત્યેની સમર્પિતતા .
હવે અમે પ્રયાણ કર્યું તપોવન તરફ .એક સમયે આ ઘનઘોર જંગલ હતું . લગભગ ૩ કિલોમીટર દુર આવેલ તપોવન જતા રસ્તામાં ઘણાં વૃક્ષો જોયા . રસ્તામાં "લક્ષ્મી નારાયણ " મંદિર આવે . આ મંદિર એટલે દર બાર વર્ષે જ્યારે કુંભમેળો થાય ત્યારે કળશની પૂજા અહી જ થાય છે . બધાં સાધુ સંતો અહી દર્શન કરે અને અહીંથી જ આગળ વધે છે . આ મંદિરમાં અમે જયારે પ્રવેશ કર્યો ત્યારે કેટલીક મહારાષ્ટ્રીયન મહિલાઓ ખુબ જ સુંદર ભજન ગાઈ ભક્તિ કરી રહ્યાં હતાં . મંદિરનું પ્રાંગણ એટલું સુંદર હતું કે ઉપર ખુલ્લું આકાશ હતું , સામે લક્ષ્મી નારાયણની અપ્રતિમ મૂર્તિ , ડાબી બાજુ બીજી અનેક મૂર્તિઓ અને અંદરની તરફ ગૌશાળા હતી . આ મંદિરના દર્શન કરી ખરેખર ધન્યતા અનુભવી .
ત્યારબાદ અમે "રામ સૃષ્ટિ " ઉદ્યાનમાં આવ્યા . અહી રામજીની ૬૦ ફૂટ જેટલી ઉંચી પ્રતિમા છે . ઢળતી સાંજના સમયે આકાશમાં જાણે કે એવું દ્રશ્ય બન્યું હતું જાણે રામજી સાક્ષાત દર્શન આપી રહ્યાં છે . અહીંથી અમને આરતી અને ઘંટનો સુંદર ધ્વનિ મંત્રમુગ્ધ કરતો હતો .
અમે હવે આવ્યા એક સંગમ પાસે , કપિલા અને ગોદાવરી નદીના સંગમ . અહી જ શુર્પણખાની નાસિકા કાપી નાક નાખી દેવામાં આવ્યું હતું અને એટલે જ આ શહેરનું નામ "નાસિક " પડયું . કહેવાય છે કે, અહી કપિલ મુનીનો આશ્રમ હતો .એમની કડી તપસ્યાથી કપિલા નદી ઉદ્ભવી. આ જ સ્થળે પ્રાચીન ગુફાઓ છે લગભગ 11 જેટલી . એ માટે ગોદાવરી પર કરવી પડે .
આ જ સ્થળે બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ ઉભા હતાં . એમના ચરણથી ૩ કુંડ બન્યા . તેમજ સીતાજી નો અગ્નિકુંડ પણ છે . એમ કહેવાય છે કે , રાવણે જયારે સીતાજીનું પંચવટી ગુફામાંથી અપહરણ કર્યું તે સીતાજીનું માયાવી સ્વરૂપ હતું . પરંતુ ત્રણ ભગવાનને સાક્ષી માની સીતામાતાએ અગ્નિમાં પ્રવેશ કર્યો હતો એ અગ્નિકુંડ . સીતાજીનું અસલી રૂપ આ ત્રણેય ભગવાનની સાક્ષીમાં ગુપ્ત રાખેલ એ અગ્નિકુંડમાં . બાજુમાં જ સીતાજીના સ્નાન કની જગ્યાને "સૌભાગ્ય તીર્થ "કહેવાયું .
સાંજના સમયે દુરથી આરતી અને ઘંટનાદથી વાતાવરણ પવિત્ર બની ગયું હતું . છેલ્લે "સર્વ ધર્મ " મંદિરના દર્શન કર્યા .
એકંદરે , ફક્ત ૩ કલાકમાં આ ધાર્મિક અને પવિત્ર સ્થળના દર્શન કરી ખુબ ધન્યતા અનુભવી .

