મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .

રજનીકાંતભાઈ મુંબઈમાં પ્રભાદેવી વિસ્તારમાં રહેતાં , ઉંમર 75 ની આસપાસ. પોતાનો બંગલો હતો જેની બરાબર સામે ઘૂઘવાટા મારતો સમુદ્ર. જેને આજુબાજુ કિનારેથી પત્થરો અને ખડકો નાખી સુરક્ષિત બનાવી અને ઉપર બેસવા પાળી બાંધેલી. સાથે સાથે લગભગ અડધો કિલોમીટર સુધી ફુટપાથ બનાવેલી અને બાંકડા પણ ગોઠવેલા. અન્ય વાહનો માટે પાર્કિંગ નહતુ. થોડે થોડે અંતરે વૃક્ષો વાવેલા તેથી બપોરના સમયે પણ ઠંડક રહેતી . ચોમાસામાં તો ખુબ જ સુંદર દ્રશ્ય લાગતુ.
રજનીકાંતભાઈની પોતાની ફેકટરી હતી. આસપાસના ઓળખીતા લોકો એમણે રજનીકાકા કહેતાં . લગભગ 60 વર્ષે પોતે જ રિટાયર થઈ ગયા અને દિકરા મલયને કારભાર સોંપી દીધો. પોતે એક્ટીવ હતાં અને ઘણી પ્રવૃતિમાં રહેતાં . કોમ્પ્યુટર ,ઇન્ટરનેટ બધુંય ઓપરેટ કરતા. બ્લોગ પણ લખતા. મિત્ર વર્તુળ પણ ખાસ્સુ મોટું અને બધાજ પૈસે ટકે સુખી.
રજનીકાકાનો બેડરૂમ જે પહેલા માળે હતો, ત્યાંથી દરિયો બરાબર સામે દેખાતો. આમતો દરેક રૂમમાંથી દેખાતો પણ એમના રૂમ નો વ્યુ ખુબ સરસ હતો. રોજ સવારે ચા પીતા છાપુ વાંચતા અને પછી ગાર્ડનમાં આંટા મારતા. વાત એમ હતી કે , વર્ષોથી દરિયો એમના ઘરની નજીક હતો એટલે ત્યાં ચાલવામાં એમને વધારે રસ નહતો. અને સવાર સાંજ લોકો વોક માટે આવે તેથી પોતાની ચાલ ધીમી હોવાને લીધે વચ્ચે એમને રુકાવટ ન આવે . પત્ની રેવા એમને દરેક વાતમાં સહકાર આપતા. કાકા ગાર્ડનમાં ચાલતાં હોય ત્યારે રેવાકાકી પણ એમની સાથે ચાલતા. દિકરો મલય અને વહુ શ્રધ્ધા બંને દસેક વાગ્યે ફેક્ટરીએ પહોંચી જતા. પૌત્ર અલય કોલેજ ના ત્રીજા વર્ષમાં તેમજ પૌત્રી નિકિતા પહેલા વર્ષમાં હતી.
આખુ કુટુંબ આનંદ માં રહેતાં. નોકરચાકર,માળી, રસોઈ માટે મહારાજ, ડ્રાયવર બધાજ પ્રમાણિક. સૌ સભ્યો રાત્રે સાથે જ જમતા. જમતી વખતે આખા દિવસમાં બનેલા દિનચર્યા અને પ્રસંગ વગેરેની ચર્ચા કરવી, કોઈકવાર હસીમજાક, કયારેક ગંભીર વણઉકેલાયેલો પ્રશ્ન હોય તો સાથે મળી એના ઉકેલની ચર્ચા પણ કરતા.
રજનીકાકાને હવે થોડો થાક લાગતો. તેથી પોતાની બેડરૂમમાં આરામખુરસીમાં વધારે સમય પસાર કરતા. રોજ દરિયાની ભરતી ઓટ, ઊગતો અને આથમતો સૂર્ય , કોઈકવાર અનંત અફાટ સમુદ્રની ચંચળતા તો કોઈવાર શાંતતા જોઈ જ રહેતાં .
ધીમે ધીમે એમને સવારસાંજ વોક લેતા તેમજ ફરવા આવતા લોકોને તેમજ અન્ય લોકોને અને એમની પ્રવૃતિઓ જોવામાં ખુબ મજા આવતી. ચોક્ક્સ સમયે, અમુક લોકો રોજ દેખાતા. જેમકે માછલી વેચવાવાળી કોળી બાઈ, સિંગચણાવાળો, ફુગ્ગા વેચવાવાળો, બે સિક્યોરિટિ ગાર્ડ, બેબી સિટિંગવાળી આયાઓ, ક્વોલિટિ આઈસક્રીમની સાયકલવાળો, સફાઈ કર્મચારી વગેરે.
સવારે બરાબર નવ વાગ્યે ચા-નાશ્તો કરી રજનીકાકા આરામખુરસીમાં બેસી જતા. બરાબર નવ ને દસે પેલી કોળીબાઈ દેખાતી. સ્વચ્છ, સુઘડ સાડી કોળી સ્ટાઈલમાં પેહેરેલી, ગળામાં મોટું મંગલસૂત્ર , માથે અંબોડો ,અને એમાં ખોસેલું તાજુફૂલ, ચાલમાં જોશ. લગભગ પચાસેકની ઉંમર . રજનીકાકા જોતાં કે આ સ્ત્રી સમયની કેટલી પાબંદ . એ આ એરિયામાંથી પસાર થાય એટલે ઘડિયાળમાં 9-10 મિનીટ જ હોય . એના હાથમાં તો ઘડિયાળ પણ નહતું . રજનીકાકા વિચારવા લાગ્યાં કે , વધારે ણ ભણેલી દેખાતી આ સ્ત્રી કેટલી શિસ્ત જાળવતી હશે . વાહ ..
એક સિંગચણાવાળો ભૈયો લગભગ સાઠેક વર્ષનો લાગતો જે ફક્ત સાંજના સમયે જ દેખાતો. “ગરમ ગરમ સિંગ ચના લેલો” એવી બૂમો મારતો. એની પેટીમાં એક નાની કોલસાની સગડી રાખતો . રજનીકાકા જોતાં કે, એ પૂડી બાંધતી વખતે બધાંને “ ડસ્ટબીન” બતાવી એમાં કચરો નાખવા કેહતો અન્યથા દરિયા કિનારા પાસે કાગળના ડુંચા ભેગાં થઈ જાય . આ ભણેલાં ગણેલાં લોકો પણ ગમે ત્યાં કચરો ફેંકતા જોયા છે જયારે આ ભૈયાજી કેટલાં જાગરુક . રજનીકાકાને એની જાગરુકતા સ્પર્શી ગઈ . એમને થયું કે , દેશમાં આવા લોકોની કેટલી જરૂર છે .
એક ફુગ્ગા વેચવાવાળાને જોઈ લાગતું હતું કે, એ પણ ઉંમરવાન હતો અને ગરીબ હતો . પોતાના ખભા પર ફુગ્ગાઓનું સ્ટેંડ રાખી થોડી થોડી વારે સ્ટેંડ ખભાપરથી નીચે મૂકતો અથવા ટેકો લઈ ઉભો રહેતો. એના ફુગ્ગામાં પણ કેટલી વેરાયટી હતી. અને ફુગ્ગા બનાવવાની રીત પણ કલાત્મક હતી. ચકલી, મોર, હાથી, ઢીંગલા, ઢીંગલી, મોટર વગેરે. રજનકાકા તો એની કલાત્મકતા જોઈ રહેતા. રજનીકાકા તો ભગવાનને ધન્યવાદ આપતાં કે , કેટલાં સંતોષથી આ લોકો જીવે છે , પોતાના ફુગ્ગાઓનું વેચાણ થશે કે કેમ એવા વિચાર કરવાને લીધે કે અન્ય કારણસર એ ત્યાંથી પસાર થતાં દરેક જણને ફુગ્ગા ખરીદવા ક્હેતો. કેટલાં કમાતો હશે ? , એના કુટુંબમાં કોણ કોણ હશે ? આવા અનેક પ્રશ્નો રજનીકાકાના મનમાં આવતાં. આટલાં વર્ષો વ્યવસાયમાં રચ્યાં હોવાને કારણે આવા લોકોને જોવાની ફુરસદ જ નહતી .
સવાર સાંજ અલગ અલગ એમ બે સિક્યોરીટી ગાર્ડ્સ ને પણ કાકાએ પોતની ફરજ વ્યવસ્થિત રીતે બજાવતા જોતાં . ક્યારે પણ ટાઈમપાસ કે ગપ્પાં મારતા નદેખાતા પણ પોતાની લાકડી લઈ ચક્ક્રર મારતા. કોઈ પ્રેમી પંખીડા કે બગડેલા યુવાનો જે વ્યસન કરે અથવા ખરાબ વર્તન કરે તો ત્યાંથી તગેડી મૂકતા. એમની ફરજ પ્રત્યેની સભાનતા જોઈ જ રહેતા.
રોજ સવાર સાંજ બે સ્ત્રીઓ જે આયાઓ જણાતી,અને બાળકોને “સ્ટ્રોલર”માં ફરવા લાવતી. બંને બાળકો એક-બે વર્ષના લાગતા. રજનીકાકા જોઈ જ રહેતાં કે, આ બંને આયાઓ ખુબ જ પ્રેમાળ હતી અને જેવા બાળકો રડે તો ખુબ સમજાવતી, દરિયામાં કઈ બતાવી , ગીતો ગાતી , એમની સાથે વાતો કરતી , ખુબ હસાવવાનો પ્રયત્ન કરતી. રજનીકાકા આ બંને આયાઓ જયારે બાળકોને હસાવતી ત્યારે તો રજનીકાકાને ઘણી મઝા આવતી . આવો નિસ્વાર્થ પ્રેમ , બાળકો પણ નસીબદાર .
એક ક્વોલિટી આઈસક્રીમ ની સાયકલવાળો ખુબ ચોખ્ખો લાગતો. ટીંગ ટીંગ સુંદર મજાની ઘંટડી વગાડતો અને ખુબ હસમુખો યુવાન લાગતો. રજનીકાકા જોતા કે ઘણીવાર એ ગરીબ ખુબ નાના બાળકો ને મફતમાં આઈસક્રીમ ખવડાવતો પણ રોજ નહી. રજનીકાકા આ દયાળુ ને દાદ આપતા.
પેલો સફાઈ કર્મચારી પણ કેવો રેગ્યુલર. રોજ નિયમીત રીતે દર કલાકે પોતાની મેળે કચરો વાળવાનું કામ કરતો. અને એ પણ સ્ફુર્તી સાથે. રજનીકાકાએ તો મનોમન એને સૌથી ઉત્સાહી નુ પ્રમાણપત્ર આપી દીધું હતું .
રજનીકાકા આ બધાંયેને જોઈ વિચારતા કે , સાવ સામાન્આય દેખાતા આ દરેકે દરેકમાં કોઈ સારો ગુણ છે. રજનીકાકા મનોમન ધન્યવાદ આપતાં રહેતાં . રાત્રે જમવાના સમયે પોતાના કુટુંબીજનોને આ બધી વાતો કરતાં અને પોતાના પૌત્ર અલય અને પૌત્રી નિકિતાને એમના આ રોજના પાત્રો પરથી જીવનમાંથી શીખવા તેમજ એમના સારા ગુણો લેવાની પ્રેરણા આપતા. અને એટલે જ છ મહિનાથી બધાંયે સભ્યો રજનીકાકાની આરામખુરસીમાંથી એમણે કરેલા નિરિક્ષણની વાતો સાંભળવા રહેતા.

આરામ ખુરશી રજનીકાકાની