મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .

મારા વ્હાલા હિત 26-12-2017

મારા વ્હાલા હિત,

તને ઘણીવાર “સોરી” અને “થેંક્યુ” ની ચિઠ્ઠીઓ લખી છે પણ ગુજરાતીમાં પત્ર લખવાનો કદાચ આ પ્રથમ જ અવસર છે. આ પત્રમાં ખાસ નવું કંઈ જ નથી કારણ મેં તને આ બધી વાતો ઘણીયે વાર કહી હશે. પણ એ વાત નક્કી કે દરેક મમ્મીઓને આમાં કહેલી વાતો પોતાની જ છે એમ લાગશે.

તારા આગમન પૂર્વે જ બધાં એટલાં ઉત્સાહી હતા કે બાળક છોકરો હોય કે છોકરી એ જરાંયે મહત્વનું નહતું. તારી દાદીએ કહેલું કે છોકરો આવશે તો પેંડા અને છોકરી આવશે તો બરફી વહેંચશું. નાનાએ તો ઘોડિયું જે તારા મામાના સમયનું હતું એને એટલું સુંદર શણગાર્યું હતું કે ન પૂછો વાત. નાની અને દાદીએ તો એટલી બધી વાર્તા અને હાલરડાં યાદ કરી રાખ્યાં હતાં.

તું એટલો નસીબવાન છે કે તને મારા દાદા-દાદી અને નાના-નાનીએ પણ જોયો અને એમના આશીર્વાદ મળ્યાં. બા અને ઘણીવાર નાના-નાની નજીક રહેતાં હોવાથી અને એમની સાથે ઉછેર થવાથી ઘણાં સારા સંસ્કાર મળ્યાં. એલોકો તારા બધાં પરાક્રમ કહો કે બાળલીલાની રજોરજ માહિતી આપે. તારા એ બધાં કિસ્સાઓ તો એટલાં બધાં છે કે આ પત્રમાં સમાવેશ નહિ થઈ શકે.

આજે તો તું 10 માં ધોરણમાં એટલે કેઉંમરના એવા પડાવમાં આવી ગયો છે જે “ટીનેજ” કહેવાય. “ સોળે શાન અને વીસે વાન” એ કહેવત મુજબ 16 વરસ થવા પહેલાંની બુધ્ધિ થોડી લપસણી હોય છે . મને ખબર છે કે તને વારંવાર અપાતી સલાહ-સુચનનો તને અણગમો છે પણ અમારા માટે તો તું હજુ નાનો જ છે.

તને ટિફિનમાં મેં બનાવેલાં બટાટાપૌંઆ, ઉપમા, ઢોકળાં, ઈડલી વગેરે નાશ્તા તને એકના એક લાગે છે પણ કેંટીનમાં મળતાં સમોસા, ચાઈનીઝ ભેલ, બર્ગર , પાસ્તા વગેરે તને ખુબ જ ભાવે છે. તું મને એવી વાનગીઓ ઘરે બનાવી ટિફિનમાં આપવા કહે છે પણ આ બધાં પદાર્થો ટેસ્ટી હોવા છતાં પચવામાં ભારી અને આગળ જતાં નુકસાનદાયક જ છે. હંમેશા યાદ રાખજે કે “ પહેલું સુખ તે જાતે નર્યા” અને “જેવું અન્ન એવું મન “. આપણે જો તનથી તંદુરસ્ત હોઈશું તો આપણું મન પણ તંદુરસ્ત રહેશે.

“પોકેટમની” તને બીજા મિત્રોની તુલનામાં હંમેશા ઓછી લાગી છે અને એમાંથી પણ હું તને બચાવવા કહું છું એ બાબતમાં તું મને કંજુસ કહે છે. પરંતુ તારી બધી જ જરુરિયાતો પૂરી કરવામાં, હરવા-ફરવા,હોટેલ , સારી સ્કૂલ કે સારા ઘડતર માટે ક્યારેય કોઈ કચાશ નથી રાખી. આનો મુખ્ય ઉદ્દેશ તો તને વસ્તુની કિંમત થાય એજ છે અને કરકસરનો આ ગુણ નિર્માણ થાય એ જ છે . એટલું યાદ રાખજે કે તારી પાસે 100 રુપિયા હોય તો 50 રુપિયાની બચત રાખજે. ધીમે ધીમે આ ટેવ તારો ગુણ બની જશે. કરકસર ફક્ત રુપિયામાં ન કરતા મોંઘેરી બિનજરુરિયાત વસ્તુઓ ન ખરીદી , સમય અને સંજોગ અનુસાર કરવાથી એના ઉપયોગનુ મોલ સમજાય છે. બાકીના 10% તું કોઈ જરુરિયાતમંદને આપે એનો કોઈ વાંધો નહિ. આમ પણ તારી એ વાત મને બહુ ગમે છે જ્યારે હું તને મંદિરમાં પૈસા ચઢાવવા આપુ ત્યારે તું એ પૈસા કોઈ જરુરિયાતમંદને આપી દે છે.

ભણવા માટે તને હું ખુબ સલાહો અને ઘણીવાર પ્રેશર પણ આપું છું જે તને અને તારા પપ્પાને નથી ગમતું. તને બહાર રમવા જતાં મેં ક્યારેય રોક્યો નથી. ખુલ્લી હવામાં રમવું અને મિત્રો સાથે રહેવું એ બધું જીવનમાં ખુબ જ મહત્વનું છે કારણ એ સુંદર સમય ક્યારેય પાછોઆવતો નથી. મારો આશય તો સારું ભણતર અને સારું ઘડતર થાય એ જ હોય છે. પણ ઘણીવાર એવું બને છે કે રોજિંદા અભ્યાસમાં થોડી બેદરકારી આવી જાય અને અન્ય પ્રવૃતિઓ પાછળ ઘણો સમય બરબાદ થઈ જાય. આરીતે જો વારેઘડીએ અભ્યાસમાં ખલેલ પડે તો પછી એકસાથે વાંચવાનું ભારે બોજદાયક બની જાય. આ માટે મારો રોજિંદા અભ્યાસનો આગ્રહ કહો કે દુરાગ્રહ હોય છે. યાદ રહે કે નિયમીતતાથી વિગતવાર વાંચન અને લેખનનો સમય મળી રહે છે જેનાથી બુધ્ધિનો વિકાસ થાય છે અને છેલ્લી ઘડીએ એટલે કે પરીક્ષાનું ટેંશન જ નથી આવતું અને ગોખણપટ્ટી કરવાની જરુર જ નથી રહેતી. હવે તો તું સામેથી જ કહે છે કે “ મમ્મી , તારી વાત સાચી છે.”

સ્કૂલમાંથી બપોરે આવ્યાં પછી તારી સાથે જમવા બેસવું અને તારી સ્કૂલની, મિત્રોની વાતો સાંભળવી મને ખુબ ગમે છે એટલાં માટે મેં તને જમતી વખતે ક્યારેય ટી.વી. જોવા નથી દીધું. ત્યારે તું એમ કહે છે કે “ મમ્મી,આ ઘરમાં તો તારું જ રાજ છે.” મને એ સાંભળી હસવું આવે. પરંતુ હું એમ માનુ છું કે તને સારી રીતે સાંભળવાનો આ એક લ્હાવો છે.

રોજ રાત્રે 15 મિનિટ “ધ્યાન” કરવાનો આપણે નિયમ લીધો છે છતાંયે ઘણીવાર તને કંટાળો આવે છે પણ હું તને સતત એનું મહત્વ સમજાવતી રહું છું કે જેમ શરીરની સફાઈ માટે ન્હાવું જરુરી છે એમ મનની સ્વછતા માટે ધ્યાન ખુબ જ જરુરી છે. આનાથી આધ્યાત્મિક પ્રગતિ પણ થાય છે.

તને ઘણીવાર મુંબઈની લોકલ ટ્રેનમાં અને બસમાં મુસાફરી કરાવું છું ત્યારે ગર્દીના સમયે તું અકળાય જાય છે પણ આ અનુભવ હોવાથી તને કોલેજમાં કે અન્ય કોઈ સ્થળે એકલાં જવાનું થાય તો અડચણ નહિ લાગે. ઘણીવાર તને બેંકની પાસબુક અપ-ડેટ કરવા, ચેક ડિપોઝીટ કરાવવા, બેંકમાંથી રુપિયા કઢાવવા તેમજ શાક લેવા ,દુધ લેવા અને દુકાનમાંથી સામાન લેવા મોકલાવું છું જેથી તારૂં વ્યવહારુ જ્ઞાન અને આત્મવિશ્વાસ વધે. જે મને મારી મમ્મીએ શીખવ્યું હતું કે બધું શીખી લેવું.

તારામાં રહેલું ડહાપણ, સચ્ચાઈ, દયાભાવ, સ્વજનો પ્રત્યેની આત્મીયતા, પ્રાણીઓ પ્રત્યેની કરુણા, પ્રમાણિકતા અને જનરલ નોલેજ જોઈ ગર્વ થાય છે. તારી મોટી મોટી વાતો, ઉંચા સપના જોવા આ બધું મને ગમે છે. હંમેશા મોટા સપના રાખજે ,નીતિનિયમથી જીવી સપના પૂરા કરવા મંડી પડજે અને ભગવાન તારા બધાં સપના સાકાર કરશે. તું અન્યાય પ્રત્યે ખુબ સજાગ છે અને એનો સામનો પણ કરે છે. તને એટલું કહીશ કે હંમેશા સ્ત્રીઓને માન આપજે એ મા, બહેન ,મિત્ર કે પત્ની હોય.

ભગવાનને મારી પ્રાર્થના છે કે મારા દિકરાને એક સારા માણસ બનાવવાનો પ્રયત્નમાં સાથ આપજો અને એને સંસારના બધાં સુખ પ્રાપ્ત થજો.